Homeસાર્થક જલસો-૧૩
સાર્થક જલસો-૧૩
સાર્થક જલસો-૧૩
Standard shipping in 7 working days

સાર્થક જલસો-૧૩

 
₹80
Product Description

ગુગલ લઈને શોધવા જાવ તો પણ ન મળે એવા ગુજરાતી વાચનની પરંપરા આગળ વધરાતા સાર્થક જલસોના આ અંકમાં પહેલો લેખ ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં પહેલી વાર દેશની શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો' વિશેનો છે. 'હેલ્લારો'ના નિર્દેશક અભિષેક શાહની ઉર્વીશ કોઠારી સાથેની વાતચીત પરથી તૈયાર થયેલા આ લેખમાં ફિલ્મની સફળતાને બદલે તેની સર્જનપ્રક્રિયા અને તેમાં સંકળાયેલા સંઘર્ષની વાતો આલેખવામાં આવી છે. સાથે, આ પહેલાં પ્રગટ નહીં થયેલી તસવીરો પણ છે.

જાહેર જીવનના અગ્રણી હસમુખ પટેલે આ અંકમાં ગુજરાતનાં ખેડૂત આંદોલનો સાથે તેમના સંબંધની અને એ નિમત્તે અત્યાર સુધી જેના વિશે નિરાંતે ભાગ્યે જ લખાયું હોય એવાં, ગુજરાતનાં ખેડૂત આંદોલનોની વાત કરી છે. તે લેખ એક નવા વિષય પર જુદી રીતે પ્રકાશ પાડે છે.

આઝાદી પહેલાંની, ૧૫મી ઓગસ્ટની અને ત્યાર પછીની અનેક ઐતિહાસિક તસવીરો લેનારાં અને જીવનના અંતિમ દાયકા વડોદરામાં વીતાવનારાં ભારતનાં પહેલાં મહિલા ન્યૂઝ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલા સાથે પરેશ પ્રજાપતિને કેવો ઋણાનુબંધ થયો અને ઔપચારિક પરિચયથી શરૂ થયેલો સંબંધ કયા મુકામે પહોંચ્યો, તેની હૃદયસ્પર્શી વાત માનવસંબંધોની ઊંચાઈ અને ઊંડાઈનાં વિશિષ્ટ પરિમાણોનું દર્શન કરાવે છે.

દીપક સોલિયાએ મહાન લેખક-વિચારક આલ્બેર કામૂના જીવન અને તેમની લેખનસૃષ્ટિ વિશેની ગહનતમ વાતોને એકદમ સરળ અને સમજાઈ જાય એવા અંદાજમાં મુકી આપી છે, તો ઉર્વીશ કોઠારીએ ગુજરાતની પહેલી હાસ્યનવલકથા 'ભદ્રંભદ્ર'માં અમર થયેલી માધવબાગની સભાનો અજાણ્યો ઇતિહાસ અને તેના નિમિત્તે સમાજસુધારાની ચળવળની અત્યાર લગી અજાણી રહેલી અનેક વિગતો પહેલી વખત વાચકો સમક્ષ મૂકી છે. સવા સો વર્ષ પહેલાંના એ ઘટનાક્રમમાં જોવા મળતા પ્રજાજીવનના પ્રવાહો અને સામાજિક માનસની પરિસ્થિતિ અત્યારના સંજોગોમાં પણ તેમાં શું અને કેટલું બદલાયું, તે વિચારવા પ્રેરી શકે છે.

ભરૂચની એમિટી સ્કૂલના સંચાલક રણછોડભાઈ શાહે ૧૯૭૦ના દાયકામાં ટાન્ઝાનિયામાં ચાર વર્ષ રહેવાના તેમના અનુભવો તાજા કર્યા છે, જેમાં પરદેશ જવાની ઘેલછાથી માંડીને ટાન્ઝાનિયાના તંત્ર અને ત્યાં રહેતા ગુજરાતીઓની વિશિષ્ટતાઓ જેવી ઘણી બાબતો ચોક્કસ રસિક કથા ઉપરાંત કાળખંડનું અગત્યનું દસ્તાવેજીકરણ પૂરું પાડે છે.

બીરેન કોઠારીએ વ્યાવસાયિક જીવનચરિત્રલેખનના વ્યવસાયની આંટીઘૂંટીની વાત ખુલાસાપૂર્વક કરી છે, જેનાથી આ વ્યવસાય સાથે સંકળાયેલી અનેક ગેરસમજો દૂર કરનારી આંતરિક માહિતી મળે છે. આ લેખમાં આવતા એક પ્રસંગનો મનમાં ઝબકારો થયા પછી તેના આધારે વિખ્યાત વાર્તાકાર રજનીકુમાર પંડ્યાએ એક નિતાંત મૌલિક વાર્તા લખી. એ વાર્તા અને તેના સર્જન વિશે રજનીકુમાર પંડ્યાની કેફિયત સાહિત્યસર્જનની વિલક્ષણ પ્રક્રિયાની થોડીઘણી થિયરીની સાથે તેના 'પ્રેક્ટિકલ'ને જોડી આપે છે. આ ઉપરાંત રજનીકુમાર પંડ્યાની આત્મકથાનો અંશ પણ આ અંકમાં સામેલ છે.

ઋતુલ જોશીએ હૉંગ કૉંગના ઇતિહાસથી માંડીને વર્તમાનમાં લોકશાહી માટેની લોકચળવળનું આલેખન કર્યું છે, તો આશિષ કક્કડે એક અજાણ્યા વડીલ સાથે અનાયાસે બંધાયેલા નિઃશબ્દ લાગણીના નાતાની અનુભૂતિને તાજી કરી છે. રુખસાના મકવાણાએ બકરીના બચ્ચા સાથે તેના લગાવની વાત કરી છે.

સાર્થક જલસોનો ૧૩મો અંક પણ તેના અગાઉના અંકોની પરંપરામાં મજબૂત ઉમેરો કરે છે.

Share

Secure Payments

Shipping in India

Great Value & Quality
Create your own online store for free.
Sign Up Now