Homeજલસો-12
જલસો-12
જલસો-12
Standard shipping in 7 working days

જલસો-12

 
₹80
Product Description

આશ્ચર્યજનક વૈવિધ્ય ધરાવતો 'સાર્થક જલસો'નો આ બારમો અંક અવનવા લેખોથી સમૃદ્ધ છે. વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા બે દાયકા પહેલાં વ્યક્તિગત ધોરણે એક મિત્ર સાથે રામ મંદિર વિવાદ ઉકેલવાના પ્રયાસમાં સામેલ થયા હતા. એ નિમિત્તે અનેક રાષ્ટ્રીય નેતાઓ સાથે તેમની મુલાકાત થઈ અને તેમની ખૂબીખામીઓનો પરિચય થયો. એ અનુભવો તેમણે પહેલી વાર અહીં આલેખ્યા છે. ચારેક દાયકાથી જાહેર જીવનમાં સક્રિય હસમુખભાઈ પટેલે તેમના ચૂંટણીના અનુભવોની અને તેમાં આદર્શ અને વ્યવહાર વચ્ચે કેવી ખેંચતાણ ચાલતી રહે છે તેની આંતરિક વાત લખી છે.

કેપ્ટન નરેન્દ્રના લેખમાં બ્રિટનમાં યુગાન્ડા સહિત આફ્રિકાના દેશોમાંથી બ્રિટનમાં વસેલા ભારતીય સમાજની અને તેમાં જુદા જુદા સમયે કેવા ભેદભાવ પ્રવર્તતા હતા તથા કેવો સંઘર્ષ કરીને ભારતીયો-ગુજરાતીઓ ત્યાં સ્થાયી થયા, તેની વાત રજૂ થઈ છે. કેપ્ટન નરેન્દ્ર પોતે બ્રિટનમાં સમાજસેવા વિભાગમાં સેવાઓ આપી ચૂક્યા હોવાથી, ઘણીખરી વિગતો તેમણે જાતે જોયેલીજાણેલી અને તેમના અનુભવો-નિરીક્ષણોમાંથી નીપજેલી છે.

રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રવાદની વાતો વચ્ચે અશોક ભાર્ગવ-લતા શાહે એક એવી વિશિષ્ટ પરંપરા યાદ કરી છે, જેની અંતર્ગત જયપ્રકાશ નારાયણની 'છાત્ર સંઘર્ષ વાહિની'નાં યુવક-યુવતીઓ રાષ્ટ્રીય એકતા સિદ્ધ કરવાના ઉમદા આશય સાથે આંતરજ્ઞાતિય-આંતરપ્રાંતિય લગ્નસંબંધોમાં બંધાયાં અને પોતાનું ઘર-વતન-રાજ્ય છોડીને બીજા રાજ્યમાં જઈને સેવાપ્રવૃત્તિમાં સંકળાયા. આવાં કેટલાંક દંપતિની વાત અને કયા સંજોગોમાં આ ઝુંબેશ ઊભી થઈ તેનું આંખ ઉઘાડનારનું ચિત્રણ લેખમાં વાંચવા મળે છે.

નાટ્યાત્મક ઉતારવચઢાવોથી ભરપૂર જિંદગી ધરાવતા વિખ્યાત સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાએ તેમની આત્મકથાનો એક હિસ્સો આલેખ્યો છે. તે અગાઉના અંકમાં આવેલા તેમના લખાણને આગળ વધારતો હોવા છતાં, સ્વતંત્ર રીતે પણ ઉત્તમ વાચન પૂરું પાડે છે. દીપક સોલિયાએ 'વોલ્વેર' ફિલ્મની કથા તેના યથાયોગ્ય અને વિચારતા કરી મૂકે એવા બોધપાઠો સાથે નિરૂપી છે, તો જયંત મેઘાણીએ વિક્ટર હ્યુગોલિખિત જગપ્રસિદ્ધ નવલકથા 'લે મિઝરાબ્લ'ના પ્રકાશનની પડદા પાછળની રોમાંચક કહાણી છેડી છે. કળા, સંશોધન અને દસ્તાવેજીકરણમાં પ્રતિષ્ઠિત નામ ગણાતા ભાવનગરના ઉષાકાન્ત મહેતાના જીવનકાર્યનો વિસ્તૃત પરિચય પિયૂષભાઈ પંડ્યાએ આપ્યો છે.

જલિયાંવાલા બાગ હત્યાકાંડનાં સો વર્ષ નિમિત્તે ઉર્વીશ કોઠારીએ આ હત્યાકાંડ બ્રિટનનાં અખબારોમા કેટલા મહિના પછી બ્રેકિંગ ન્યૂઝ બન્યો તેની અજાણી વિગતો તે સમયના અખબારી અહેવાલો અને કેટલાક દુર્લભ સમાચારો-તંત્રીલેખો સહિત રજૂ કરી છે. સૌરવ આનંદે શહીદોના પરિવારની મુલાકાત લઈને તેમની સાથે પેટછૂટી વાત કરીને મેળવેલી માહિતીના આધારે યુટ્યુબ ચેનલ શરૂ કરી, પણ આ લેખ એ મુલાકાતમાં તેમને થયેલા અવનવા અનુભવો વિશેનો છે. તપન શાહે ફેસબુક પર તેમના રાજકીય વિચારોમાં કેવી રીતે તબક્કાવાર પલટો આવ્યો અને તેનું રાજકીય સિવાયની બાબતો માટે પણ કેટલું મહત્ત્વ છે, તેની વાત માંડીને એ નિમિત્તે ફેસબુકની દુનિયાના એક પાસાનો એક્સ-રે આપ્યો છે.

અમદાવાદથી લંડન ભણવા ગયેલાં આરતી નાયરે બીબાંઢાળ અભિપ્રાયોથી બચીને જોયેલા-જાણેલા લંડનની વાત કરી છે, તો રાજકોટથી અમદાવાદ આવીને આર.જે. તરીકે કારકિર્દી બનાવનારાં આરતી બોરિયાએ કાઠિયાવાડી ઉચ્ચારોમાંથી અમદાવાદી અને અંગ્રેજી બોલવાની તેમની ભાષાયાત્રાની વાત રમુજી ઢબે રજૂ કરી છે, પરંતુ રમુજની સાથેસાથે ચાલતો કરુણતાનો છૂપો પ્રવાહ પણ સહૃદય વાચકને સ્પર્શ્યા વિના રહેતો નથી. ડૉ. શ્વેતા દવેએ તબીબી અભ્યાસ દરમિયાન થયેલા અવનવા રમુજી અનુભવો તાજા કર્યા છે, તો બીરેન કોઠારીએ અગાઉના લગ્નપ્રસંગોમાં થતા જમણવાર અને બુફેયુગનાં કેટલાંક રસિક સંભારણમાં આલેખ્યાં છે. અશ્વિનકુમારે લગ્નમાં ફોટોગ્રાફી માટે વપરાતાં ડ્રોન વિશે કલ્પનાનો દોર છૂટો મૂકતો હાસ્યલેખ આપ્યો છે.

આપણે પરિચિત હોઈએ એ સિવાયની બીજી કેટકેટલી સમાંતર દુનિયાઓ આપણી આસપાસ ધબકતી હોય છે. તેનો પરિચય જાતઅનુભવ ધરાવનાર સજ્જ વ્યક્તિ પાસેથી મળે તો કેવો જલસો પડે? સાર્થક જલસોના તમામ લેખો એવો જલસો કરાવે એવા છે.

Share

Secure Payments

Shipping in India

Great Value & Quality
Create your own online store for free.
Sign Up Now