Homeજલસો-૧૧
જલસો-૧૧
જલસો-૧૧
Standard shipping in 7 working days

જલસો-૧૧

 
₹70
Product Description

પાંચ વર્ષની સફળ યાત્રા પછી અર્ધવાર્ષિક 'સાર્થક જલસો'નો આ ૧૧મો અંક છે. સમૃદ્ધ, વાંચ્યાનો સંતોષ આપે એવી અને વિચારભાથું પૂરું પાડનારી વાચનસામગ્રી અત્યાર સુધીના અંકોની જેમ આ અંકની પણ વિશેષતા છે.

ગાંધીજીની દોઢસોમી જન્મશતાબ્દિ નિમિત્તે પ્રકાશિત થયેલી અને થનારી ઘણી સામગ્રી કરતાં સાવ જુદા ત્રણ લેખ 'સાર્થક જલસો-૧૧' માં છે. ઘણાં વર્તુળોમાં દલિત લેખક તરીકે જાણીતા અને પ્રતિષ્ઠિત રાજકીય-સામાજિક અભ્યાસી ચંદુ મહેરિયાએ તેમના જીવનમાં ગાંધીજી ક્યાં અને કેવી રીતે આવતા રહ્યા તેની વાત સાવ જુદા દૃષ્ટિકોણથી આલેખી છે. જાહેર જીવનમાં દાયકાઓથી સક્રિય અને બાબુભાઈ જશભાઈ પટેલના સહાયક રહી ચૂકેલા હસમુખભાઈ પટેલે ગુજરાતના પહેલા અને છેલ્લા ગાંધીવાદી મુખ્ય મંત્રી એવા બાબુભાઈનું ચિત્ર આલેખ્યું છે. ૧૯૩૮-૩૯-૪૦ની આસપાસ ફિલ્મી જાહેરાતોમાં ગાંધીજીનો ઉપયોગ કેવી રીતે થતો હતો, તેના અજાણ્યા અને દુર્લભ નમૂના ઉર્વીશ કોઠારીએ રજૂ કર્યા છે.

છાયા ઉપાધ્યાયે કરેલો દોસ્તોએવસ્તીના રશિયાનો પ્રવાસ વાચકને પણ રશિયાની અનેક ઝીણી ઝીણી લાક્ષણિકતાઓની અનુભૂતિ કરાવે છે. પ્રવાસમાં સામાન્ય દુનિયાદારીથી વિપરીત અને હકારાત્મક અનુભવો કેવા થાય છે તેનું બયાન બીરેન કોઠારી અને જ્યોતિ ચૌહાણના લેખમાં મળે છે.

સમાજશાસ્ત્રના જાણીતા અધ્યાપક ગૌરાંગ જાનીએ ગુજરાતનાં પહેલાં મહિલા સમાજશાસ્ત્રી તારાબહેન પટેલનું ચરિત્ર આલેખ્યું છે, તો રજનીકુમાર પંડ્યાએ તેમની સંવેદનસભર અને દિલમાં ચોટ કરી જાય એવી મૈત્રીકથા આગળ ધપાવી છે. ઋતુલ જોષીએ કથિત ઉપલી જ્ઞાતિમાં જન્મ લેવાને કારણે કેવા ફાયદા મળે છે (અને તેનો અહેસાસ ઉપલી જ્ઞાતિના લોકોને હોતો નથી) તેની નજાકતભરી વાત પૂરા વજન સાથે મૂકી આપી છે. શારીક લાલીવાલાએ અમદાવાદમાં મુસ્લિમ વસ્તીમાં રહેવાના અનુભવો પૂરી સંવેદનશીલતાથી આલેખ્યા છે, તો પત્રકાર નરેશ મકવાણાએ પોતે જ્યારે ખેતમજૂરી કરવા જતા હતા ત્યારનો એક યાદગાર કિસ્સો તાજો કર્યો છે.

દીપક સોલિયાએ લેખક તરીકે કશું પણ લખ્યા વિના ફિલ્મઉદ્યોગ સાથે જે થોડોઘણો પનારો પાડ્યો તેનું રસિક બયાન આપ્યું છે, તો કૅનેડાસ્થિત વિખ્યાત ફિલ્મકટારલેખક સલિલ દલાલે કૅનેડામાં ઇચ્છામૃત્યુના કેસમાં દુભાષિયા તરીકેની તેમની કામગીરીના આધારે ઇચ્છામૃત્યુ સાથે સંકળાયેલી અનેક વિશિષ્ટ બાબતોને ઉઘાડી આપી છે. ઓસ્ટ્રેલિયામાં રહીને રંગભેગ અને જ્ઞાતિભેદના સંયુક્ત મુદ્દે આંતરરાષ્ટ્રીય કક્ષાની હિંદી-અંગ્રેજી ફિલ્મ બનાવનાર ગિરીશ મકવાણાએ બાળપણથી ફિલ્મ બનાવવા સુધીની તેમની સફર તાજી કરી છે.

એક જ સમાજમાં કેટકેટલા પ્રવાહ વહેતા હોય છે અને એ પ્રવાહમાં વહી ચૂકેલી વ્યક્તિ જ્યારે સ્વસ્થતાપૂર્વક પોતાની વાત કરે, ત્યારે તેમાં 'હું' ઓછો અને સમાજ વધારે હોય છે. તેના કારણે આ પ્રકારનાં લખાણ વ્યક્તિકથા મટીને સમાજકથા બની રહે છે. સાર્થક જલસો-૧૧ એટલે આવા લેખોની મહેફિલ.

Share

Secure Payments

Shipping in India

Great Value & Quality
Create your own online store for free.
Sign Up Now