Homeસાર્થક જલસો-૧૦ : વાચનસમૃદ્ધિનું સાતત્ય
સાર્થક જલસો-૧૦ : વાચનસમૃદ્ધિનું સાતત્ય
સાર્થક જલસો-૧૦ : વાચનસમૃદ્ધિનું સાતત્ય
Standard shipping in 7 working days

સાર્થક જલસો-૧૦ : વાચનસમૃદ્ધિનું સાતત્ય

 
₹70
Product Description

સાર્થક જલસો'નો એકાદ અંક પણ જેમણે જોયો હોય, તે વાચકો જાણે છે કે 'સાર્થક જલસો' તેની વાચનસામગ્રીથી બાકીનાં બધાં ગુજરાતી મેગેઝીન કરતાં અલગ તરી આવે છે. ગુજરાતીમાં ભાગ્યે જ વાંચવા મળે એવા અને એટલા વિષયો પરનાં લખાણ જહેમતપૂર્વક 'સાર્થક જલસો'માં પ્રગટ થાય છે. તેના અત્યાર સુધીના નવ અંકમાં ૨૦ વર્ષથી માંડીને ૮૦ વર્ષ સુધીના, જાણીતા-અજાણ્યા લેખકોના માતબર લેખ છપાયા છે. દર વર્ષે મે અને ઓક્ટોબર મહિનામાં (દિવાળી પહેલાં) સાર્થક જલસોના અંક નિયમિત રીતે પ્રગટ થતા રહ્યા છે. એ જ સિલસિલામાં પ્રગટ થયેલો તેનો દસમો અંક પણ અગાઉની અંકો જેટલી જ સમૃદ્ધ, છતાં પ્રકારની રીતે તેના કરતાં જુદી વાચનસામગ્રી સાથે પ્રગટ થઈ ચૂક્યો છે.

ગુજરાતીમાં જ્ઞાનવિજ્ઞાનના સાહિત્યની પરંપરા કેવી છે? તેનો વિગતવાર અને કાયમી સંદર્ભ તરીકે ઉપયોગી બની રહે એવો સમૃદ્ધ-સચિત્ર લેખ સાર્થક જલસો-૧૦માં ડો. સુશ્રુત પટેલે લખ્યો છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના વિશ્વાસુ સાથીદાર સુરેન્દ્રરાય મેઢના જીવનમાં મધ્યાહ્ન ઉપરાંત સૂર્યાસ્તનાં વર્ષ કેવાં ગયાં, તેનું હૃદયસ્પર્શી આલેખન પિયુષ પંડ્યાએ કર્યું છે.

બકોર પટેલ, હાથીશંકર ધમધમીઆ, ભગાભાઈ જેવાં અનેક પાત્રો ગુજરાતી બાળસાહિત્યમાં અમર બની ચૂક્યાં છે. પણ તેના લેખક હરિપ્રસાદ વ્યાસ વિશે ભાગ્યે જ કશી જાણકારી ઉપલબ્ધ છે. ફક્ત બાળસાહિત્યમાં જ નહીં, હાસ્યલેખનમાં પણ માતબર પ્રદાન ધરાવતા હરિપ્રસાદ વ્યાસ વિશેનો આટલો વિગતવાર લેખ કદાચ પહેલી વાર જ પ્રગટ થઈ રહ્યો છે. તેમાં ઉર્વીશ કોઠારીએ હરિપ્રસાદ વ્યાસનાં કુટુંબીજનો પાસેથી ઘણી ઉપયોગી અને અજાણી માહિતી તથા તસવીરો મેળવી છે. ગુજરાતમાં રેડિકલ હ્યુમેનિસ્ટ તરીકે જાણીતા અને 'માનવવાદ' સામયિકના તંત્રી બિપીન શ્રોફે ચારેક દાયકા પહેલાંના એક વિશિષ્ટ પ્રયોગની યાદ તાજી કરી છે, જેમાં ખેતી, ખેડૂતો, ધીરાણ, માનવીય મૂલ્યો અને સામાજિક બદલાવ જેવાં અનેક પાસાં સંકળાયેલાં હતાં.

ગાંધીવાદીઓના અવનવા પ્રકાર, તેમની પ્રતિબદ્ધતા અને દંભ, કામગીરી અને દેખાડો--આવા અનેક વિરોધાભાસો વિશે કદાચ પહેલું આધારભૂત અને અંદરના કહેવાય એવા માણસે કરેલું મૂલ્યાંકન એટલે સાર્થક જલસો-૧૦માં હસમુખ પટેલનો ગાંધીવાદીઓ વિશેનો સમીક્ષાલેખ. ગંભીર સમીક્ષા અને હળવા પ્રસંગોથી ભરપૂર એવો આ લેખ સમભાવપૂર્વકની ટીકાનો અને અહોભાવ વગરના આદરનો ઉત્તમ નમૂનો કહી શકાય એવો છે.

રજનીકુમાર પંડ્યાએ તેમની મિત્રકથાનાં કેટલાંક લાગણીઝરતાં પાનાં ખોલ્યાં છે, દીપક સોલિયાએ તેમના હોસ્ટેલના જમાનાના એક મિત્ર સાથે રહેતી વખતે અપાયેલા વચનને યાદ કરીને, સહઅસ્તિત્ત્વનું જુદું જ પાસું ઉજાગર કર્યું છે. બીરેન કોઠારીએ સાવ શરૂઆતના ગાળામાં જીવનમા આવેલા, છવાયેલા અને પછી અદૃશ્ય થયેલા એક પાત્રની વાર્તા લાગે એવી સત્યઘટના આલેખી છે.

આરતી નાયરે જનરેશન ગૅપનાં બદલાતાં સમીકરણોને વર્તમાન પેઢીના દૃષ્ટિકોણથી મૂલવ્યાં છે, સલિલ દલાલે 'અહીં' અને 'ત્યાં'ની રસપ્રદ સરખામણી ભરપૂર વ્યાજસ્તુતિ સાથે કરી છે, કાર્તિકેય ભટ્ટે અર્થશાસ્ત્રનાં પાયાના કેટલાક સિદ્ધાંતોની સરળ સમજૂતી આપી છે, માર્ગી પરીખે ઓફિસમાં થતા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ (કામુકતાપ્રેરિત સતામણી)નાં અનેક પાસાં ચર્ચ્યાં છે અને આશિષ કક્કડે ચાનું વિશ્વ ઉઘાડી આપ્યું છે. રાજેન્દ્ર પારેખે 'મરીઝ'ના કેટલાક શેરની પેરડી કરી છે.

'સાર્થક જલસો' ની યાત્રામાં દસનો આંકડો નાનો લાગે, પણ અર્ધસાપ્તાહિક માટે એ લાગે છે એટલો નાનો નથી. હજુ ગુજરાતીમાં ઘણી અનોખી વાચનસામગ્રી 'સાર્થક જલસો'ની રાહ જુએ છે, એવી દૃઢ પ્રતીતિ સાથે ઘણું આગળ જવાનું છે.

કિંમત રૂ.70 (શિપિંગ ફ્રી)

Share

Secure Payments

Shipping in India

Great Value & Quality
Create your own online store for free.
Sign Up Now